સુરત: સુરત શહેર, જે હીરા અને ટેક્સટાઇલ્સના હબ તરીકે જાણીતું છે, તે હવે ડિજિટલ અને આઇટી હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે ઇન્ડિયા એક્સિલેટર દ્વારા સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે સુરત ખાતે એક અદ્યતન સ્ટાર્ટઅપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન 28 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:00 વાગે ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા સુરાણા સુપ્રીમસના ચોથા માળે થવાનું છે.
આ સેન્ટરના સંચાલક ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે આ સેન્ટર 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને 280 સીટની કો-વર્કિંગ સ્પેસ સાથે સજ્જ છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને નર્ચરિંગ, માર્ગદર્શન અને જરૂરી સંસાધનો પૂરા પાડીને તેમના વિકાસને વેગ આપવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા લોકો માને છે કે દસમાંથી નવ સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે, પરંતુ એક માત્ર આઇડિયા સ્ટાર્ટઅપને સફળ નથી બનાવતો. તેની પાછળ પ્રોપર એકાઉન્ટિંગ, લીગલ પ્રક્રિયાઓ, ડિજિટલ માર્કેટિંગ, મીડિયા કવરેજ અને ફંડ રેઇઝિંગ જેવી મહત્વની બાબતોની જરૂર હોય છે. અમારું સેન્ટર આ તમામ જવાબદારીઓ ઉપાડશે, જેથી ફાઉન્ડર્સ ફક્ત તેમના બિઝનેસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

અપૂર્વ વોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ઇન્ડિયા આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. હાલ જે રીતે સ્ટાર્ટઅપની પ્રગતિ થઈ રહી છે તે જોતા ચોક્કસ કહી શકાય કે આ એક મોટી ઇન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે. સ્ટાર્ટઅપનો પ્રોગ્રેસ માત્ર કેટલાક મહત્વપૂર્ણ મોટા શહેરો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં પણ આ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો છે. સુરતની વાત કરીએ તો, સુરત એક એવું શહેર છે જ્યાં આસપાસ અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમાંથી ઘણું ટેલેન્ટ બહાર આવી રહ્યું છે. આવા સ્થળે યુવા ટેલેન્ટને માર્ગદર્શન પૂરું પાડવા માટે એક એક્સિલેટર સેન્ટર હોવું ખૂબ જ જરૂરી છે. સુરતમાં નેશનલ લેવલનું આવું સેન્ટર શરૂ થવાથી લોકલ ટેલેન્ટને મોટો ફાયદો થશે.”
સુરતને આ સેન્ટર માટે પસંદ કરવા પાછળનું કારણ તેનો ઝડપથી વિકસતો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ડેટા અનુસાર, સાઉથ ગુજરાતમાં હાલ 60થી 70 સ્ટાર્ટઅપ્સ સક્રિય છે, અને તાજેતરમાં ત્રણ સ્ટાર્ટઅપ્સને નોંધપાત્ર ફંડિંગ પણ મળ્યું છે. સુરત હવે માત્ર હીરા અને ટેક્સટાઇલ્સ પૂરતું સીમિત નથી, પરંતુ ઇન્ફોસિટી અને સ્ટાર્ટઅપ સિટી તરીકે પણ આગળ વધી રહ્યું છે. આ સેન્ટર આગામી સમયમાં નવા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપીને આ પ્રદેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
આ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને ભારતીય સેનાના નિવૃત્ત સેના અધિકારી જનરલ મનોજ મુકુંદ નરવણે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ઇન્ડિયા એક્સિલેટરના CEO આશિષ ભાટિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આગામી દિવસોમાં ઇન્ડિયા એક્સિલેટર અર્થમ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી અમદાવાદ, મુંબઈ (વાશી), ઇન્દોર, અને જયપુર ખાતે પણ આવા સેન્ટરો શરૂ કરવાની યોજના ધરાવે છે. કુલ છ સેન્ટરો દ્વારા દેશભરના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.