સુરત, તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬: ગણેશોત્સવ એ માત્ર ભક્તિ અને શ્રદ્ધાનો તહેવાર નથી, પરંતુ સમાજમાં સકારાત્મક વિચારો અને માનવતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ પણ છે. આ ઉમદા હેતુ સાથે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી અંગદાનના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થા ડોનેટ લાઈફ અને વાસ્તવ ગ્રુપ દ્વારા તા. ૧૪ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન વાસ્તવ ગ્રુપ-ડોનેટ લાઈફ ગણેશ પંડાલ, બેજનવાલા કોમ્પ્લેક્ષ પાસે, તરવાડી ચોકડી, રાંદેર રોડ, સુરત ખાતે ‘અંગદાન-જીવનદાન’ થીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પંડાલમાં અંગદાનની થીમને પાંચ વિભાગમાં વહેંચવામાં આવી હતી:

૧. જાગૃતિ વિભાગ: આ વિભાગમાં દરેક ભાવિક ભક્તને અંગદાનની જરૂરિયાત શા માટે છે, બ્રેઈનડેડ અને સામાન્ય મૃત્યુમાં કયા અંગો અને ટીસ્યુઓનું દાન થઈ શકે છે તેની સંપૂર્ણ જાણકારી અને અંગદાનની પ્રક્રિયા વીડિયોના માધ્યમથી સમજાવવામાં આવી હતી. વર્ષ ૨૦૦૬ થી અત્યાર સુધીના તમામ અંગદાતાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ‘ડોનર વોલ’ બનાવવામાં આવી હતી, જેમાં દરેક અંગદાતાના નામ, તારીખ સાથે એક સ્ટાર લગાવવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે અંગદાતા એક તારો બનીને આ દુનિયામાં આજે પણ ઝગમગી રહ્યો છે.

૨. કાઉન્સેલિંગ વિભાગ: અંગદાનના કાર્યમાં સૌથી કઠિન કાર્ય પરિવારને સાચી સમજણ આપી અંગદાન માટે તૈયાર કરવાનું છે. આ વિભાગમાં બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવામાં આવે છે તે અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું હતું.

૩. સલામી વિભાગ: આ વિભાગમાં અંગદાતાને આપવામાં આવતી ભાવભીની સલામીના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા અને તમામ ભાવિકોને અંગદાતાને સલામી શા માટે આપવામાં આવે છે તે સમજાવવામાં આવ્યું હતું.

૪. ગ્રીન કોરીડોર વિભાગ: અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં સમય ખૂબ જ મહત્વનો હોય છે. દાન કરાયેલા અંગોને સુરતથી દેશના વિવિધ શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવતા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો પ્રથમ ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા તા. ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫ ના રોજ બનાવવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં સુરત શહેર પોલીસ દ્વારા ૧૪૦ થી વધુ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. દેશમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરીડોર અંગેની SOP ડોનેટ લાઈફની દરખાસ્તથી સુરત શહેર પોલીસ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૬ માં બનાવવામાં આવી હતી.

૫. પ્રેરણા વિભાગ: સુરત શહેર ઓર્ગન ડોનર સિટી કેવી રીતે બન્યું તેની માહિતી ઉપરાંત દેશના રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી, પરમ પૂજ્ય સરસંઘચાલક ડો. મોહન ભાગવતજી અને પરમ પૂજ્ય દીદી મા સાધ્વી ઋતંભરાજીના સંદેશાઓ પણ દર્શાવવામાં આવ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતની પરિકલ્પના રજૂ કરી છે, ત્યારે ડોનેટ લાઈફે પણ મિશન બનાવ્યું છે કે વર્ષ ૨૦૪૭ માં જ્યારે દેશ આઝાદીની શતાબ્દી ઉજવતો હોય ત્યારે દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થાય.

આ ઉપરાંત ઓર્ગન ફેલ્યોરથી પીડાતા દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ પછીનું નવજીવન પણ ભાવિકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

દરરોજ બાપ્પાની આરતી અંગદાતા પરિવારો દ્વારા કરાવીને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

આ દસ દિવસ દરમિયાન એક લાખથી વધુ ભાવિક ભક્તો, અંગદાતા પરિવારો અને અંગ પ્રાપ્ત કરનારાઓ સહિત ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરતના સાંસદશ્રી મુકેશ દલાલ, વલસાડના સાંસદ અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલ, ભારત સરકારના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રીઓ અરવિંદભાઈ રાણા, પ્રવીણભાઈ ઘોઘારી, શાસક પક્ષના નેતા શ્રીમતી અલ્પાબેન મહેતા, પૂર્વ મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સુરતના કલેક્ટરશ્રી તેજસ પરમાર, અમદાવાદના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહેલોત (IPS), સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનરશ્રી વાબાંગ ઝામીર (IPS), એડીશનલ પોલીસ કમિશનર સેક્ટર-1 શ્રી બલરામ મીણા-(IPS), એડીશનલ પોલીસ કમિશનર ક્રાઈમ ડો.કરણરાજ વાઘેલા (IPS), સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરશ્રી સ્મિત લોઢા (IAS), ડીસીપી સાયબર સેલ શ્રીમતી વિશાખા જૈન (IPS), ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન-૫ શ્રી એલ. એ ઝાલા (IPS), ઉદ્યોગપતિશ્રીઓ રમેશભાઈ ડુમસીયા અને શ્રદ્ધાબેન ડુમસીયા, દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી મૃગાંક પટેલ, ધબકારના તંત્રીશ્રી નરેશ વરિયા, પ્રિન્સીપાલ કોરસ્પોન્ડન્ટ, નવ ગુજરાત સમય- અહેમદાબાદ મિરર ના શ્રી ગૌરવભાઈ ખરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી અશોક જીરાવાલા, પૂર્વ પ્રમુખશ્રીઓ વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, દિશા ફાઉન્ડેશનના સ્થાપકશ્રી દિનેશભાઈ પટેલ સહિત સામાજિક, રાજકીય, શૈક્ષણિક, ઉદ્યોગ જગતના, પ્રેસ અને મીડિયા અનેક મહાનુભાવોએ બાપ્પાના દર્શન કરી અંગદાન-જીવનદાનનો સંદેશ મેળવ્યો હતો અને ડોનેટ લાઈફ અને વાસ્તવ ગ્રુપ દ્વારા બનાવાયેલી થીમની ખૂબ પ્રશંસા કરી હતી. ગણપતિ ઉત્સવને જનજાગૃતિના કાર્ય સાથે જોડી સમાજને નવી દિશા બતાવવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ સમગ્ર થીમનું નિર્માણ ડોનેટ લાઈફના સ્થાપક અને પદ્મશ્રીથી સન્માનિત શ્રી નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેને સફળ બનાવવા માટે ડોનેટ લાઈફના CEO અને ટ્રસ્ટી શ્રી નિરવ માંડલેવાલા, વાસ્તવ ગ્રુપના શ્રી વાસુ શાહ, શ્રી શુભમ મહેતા, ગ્રેની મોદી સહીત વાસ્તવ ગ્રુપ તેમજ ડોનેટ લાઈફના સ્ટાફ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા બે દાયકાથી વધુ સમયથી અંગદાન અંગે અવિરત જનજાગૃતિનું કાર્ય કરી રહી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪૦૪ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે, જેના થકી ૧૨૯૫ થી વધુ લોકોને નવું જીવન મળ્યું છે.